Vegetable Handwo

વેજીટેબલ હાંડવો (Vegetable Handwa Recipe)

સામગ્રી

  • બે વાટકી હાંડવા નો લોટ
  • ખાટી છાશ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચી વાટેલા આદુ મરચા
  • અડધી વાટકી છીણેલી દૂધી
  • અડધી વાટકી છીણેલી કોબી
  • અડધી વાટકી ખમણેલું ગાજર
  • કેપ્સીકમ ઝીણું સુધારેલું
  • ત્રણ ચમચી કાચા સીંગદાણા
  • ૧ કાંદો ઝીણો સુધારેલો
  • એક કાકડી ઝીણી ખમણીને લઈ શકાય
  • બીજા મનપસંદ શાકભાજી પણ નાખી શકાય તેમાં પાલક, મેથી, કોથમીર પણ ઝીણા સુધારીને નાખી શકાય
  • તેમાં વટાણા અને સ્વીટ કોર્ન પણ નાખી શકાય
  • બે ચમચી તેલ વઘાર માટે તેમાં એક ચમચી રાઈ, એક ચમચી જીરું, ૧ ચમચી અડદની દાળ, બે ચમચી સફેદ તલ, પા ચમચી હિંગ, અડધી ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, એક ચમચી ધાણાજીરૂ, ૫ થી ૬ પાન લીમડાના, પા ચમચી સોડા અને ત્રણ થી ચાર ચમચી પાણી

રીત

હાંડવા ના લોટમાં છાશ નાખીને બરાબર મિક્ષ કરીને છ થી સાત કલાક માટે આથો આવવા માટે રાખવું. આથો આવી જાય પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. વાટેલા આદુ મરચાની પેસ્ટ નાખવી અને બરાબર હલાવવું. પછી તેમાં બધા શાકભાજી અને સિંગદાણા નાખીને બરાબર હલાવવું.

ત્યારબાદ એક નાની કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, અડદની દાળ, તલ, લીમડો નાખી ધીમા ગેસ એ બરાબર હલાવવું. થોડું સાંતળીને તેમાં ૩ થી ૪ ચમચી જેટલું પાણી નાખી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું, હિંગ બધું નાખીને બરાબર મિક્ષ કરીને આ વઘારને હાંડવા ના ખીરા માં નાખી બરાબર મિક્સ કરવું.

ત્યારબાદ તેમાં સોડા નાખીને બરાબર હલાવવું. ત્યાર પછી એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી તેની ઉપર બે ચમચા જેટલું હાંડવા નું ખીરું નાખી અને ચમચાથી બરાબર ગોળ આકારમાં સેટ કરી તેની ઉપર ઢાંકણ ઢાંકી તેને ધીમા ગેસ પર ચડવા દેવું. પાંચ મિનિટ પછી તેને તવેથા ની મદદથી ઉપાડીને જોવું.

બ્રાઉન રંગનું થઈ પછી એને ફરાવીને બીજી બાજુ પણ બ્રાઉન રંગનું થવા દેવું. બંને બાજુથી બરાબર શેકાઈ જાય અને બ્રાઉન રંગનું થઈ જાય પછી ઉતારી લેવું. આ રીતે બધા હાંડવા બનાવીને તૈયાર કરવા. અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.


બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/

You might also like

Leave a Reply

Your email address will not be published.