સામગ્રી
- એક વાટકો ધોઈને સુધારેલી પાલક
- એક વાટકો ધોઈને સુધારેલી કોથમીર
- 1 કાંદો ઝીણો સુધારેલો
- 1 ટમેટું ઝીણું સુધારેલો
- 2 ગાજર ઝીણા સુધારેલા
- ૧ કેપ્સીકમ ઝીણું સુધારેલું
- 1/4 વાટકી વટાણા
- એક ચમચી વાટેલા લીલા મરચા ની પેસ્ટ
- 1 બટેટું
- 2 વાટકી બાસમતી ચોખા
- અડધી ચમચી આદુની પેસ્ટ
- ૮ થી ૧૦ કળી લસણ ઝીણું સુધારેલું
- મીઠું સ્વાદ અનુસાર
- 1 ચમચી જીરૂ
- પા ચમચી હિંગ
- એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
- અડધી ચમચી હળદર
- એક ચમચી ધાણાજીરું
- ૧ ચમચી કિચન કિંગ મસાલો
- એક ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસુરી મેથી
- એક ચમચી ઘી
- 2 ચમચી બટર
- સો ગ્રામ પનીર
- ૮ થી ૧૦ નંગ કાજુ
- 50 ગ્રામ ફણસી
- 50 ગ્રામ ફ્લાવર
- બે સૂકા લાલ મરચા
- બે તમાલપત્ર
- એક તજનો ટુકડો
- બે થી ત્રણ લવિંગ
રીત
સૌપ્રથમ પહેલા બાસમતી ચોખાને સારા પાણીથી બે થી ત્રણ વખત ધોઇ લેવા અને પછી એને અડધો કલાક માટે પલાળી ને રાખવા. એક પેનમાં બધા શાકભાજી જેમ કે ફણસી, ગાજર, વટાણા, કેપ્સીકમ, ફ્લાવર, બટેટા, બધાને જીણા સુધારી ને ધોઇને એક ગ્લાસ પાણી નાખી તેમાં જરૂર મુજબ મીઠું નાખીને તેને બાફી લેવા. બફાઈ જાય પછી તેમાંથી પાણી કાઢીને શાકભાજીને એક બાઉલમાં રાખવા. ત્યાર પછી પાલકને ધોઈને કડાઈમાં પાણી નાખ્યા વગર 2 થી 3 મિનિટે માટે બાકી લેવી. બફાઈ જાય પછી તેને બરફના પાણીમાં નાખીને બે થી ત્રણ સેકન્ડ રાખી પાણી નિતારીને લઈ લેવી. આ રીતે કરવાથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે. પછી તેમાં કોથમીર નાખી મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર પછી જે ચોખા પલાળયા હતા તેને ગેસ પર મૂકીને રાંધી લેવા અને ભાત તૈયાર કરવો. બહુ ગળી ન જાય તેનું ધ્યાન રાખવું.
ત્યાર પછી એક મોટી કડાઈ લેવી તેમાં ઘી અને બટર લેવા. બટર ઓગળે એટલે તેમાં જીરું નાંખવું. જીરું તતડે એટલે તેમાં હિંગ નાંખવી. ત્યાર પછી તેમાં સૂકા લાલ મરચાં, તજ, તમાલપત્ર, લવિંગ નાંખી ચમચાથી હલાવવું. ત્યાર પછી તેમાં લીલા મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ અને સુધારેલું લસણ નાખીને હલાવવું. પછી તેમાં કાંદા નાખવા. કાંદાના ભાગ નું મીઠું નાખવું જેથી જલ્દીથી કાંદા ચડી જાય. આછા ગુલાબી રંગના થાય એટલે તેમાં ટમેટા નાખવા અને ટામેટાને ચડવા દેવા. એકદમ ચડી જાય એટલે તેમાં બાફેલા શાકભાજી નાખવા અને હલાવવું. પછી તેમાં પાલક અને કોથમીરની પેસ્ટ નાખીને હલાવવું.
પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, મીઠું, કસૂરી મેથી નાંખી બરાબર મિક્સ કરવું અને બે થી ત્રણ મિનિટ હલાવવું જેથી મસાલો બરાબર મિક્સ થઇ જાય. પછી તેમાં રાંધેલા ભાત નાખીને મિક્સ કરો. પછી એક પેનમાં થોડું ઘી લેવું, તેમાં કાજુના ટુકડા નાખી તેને ગુલાબી રંગના શેકવા અને એક વાટકામાં કાઢી લેવા.
પછી એજ પેનમાં પનીરના ટુકડા કરી તેને ગુલાબી રંગના શેકવા અને એને પુલાવમાં ઉપરથી નાખવા. આ પુલાવને કાકડી અને કાંદા ના રાયતા સાથે સર્વ કરવું. આ પુલાવ ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ ખૂબજ છે. એમાં સ્વીટ કોર્ન પણ બાફીને નાખવા હોય તો નાંખી શકાય.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/