સામગ્રી
- ૧ વાટકો સાબુદાણા
- એક વાટકો જાડા પૌવા
- 1/4 કિલો લાંબી પતલી સુધારેલી કોબી
- અડધી વાટકી સીંગદાણા
- અડધી વાટકી દાળિયા
- મીઠું સ્વાદ અનુસાર
- બે ચમચી સાકર
- ૨ ચમચી વાટેલા આદુ મરચાની પેસ્ટ
- એક ચમચી લીંબુનો રસ
- ઝીણી સુધારેલી કોથમીર
- એક ચમચી જીરૂ
- 3 ચમચા તેલ
- ચપટી હિંગ
રીત
સૌપ્રથમ પહેલા સાબુદાણાને પાણીથી ધોઈ ૨ કલાક માટે પલાળી રાખવા. પૌવાને પણ પાણીથી સરખા ધોઈને અડધો કલાક માટે પલાળી ને રાખવા. ત્યાર બાદ એક પેનમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે પહેલા એમાં સીંગદાણા નાખીને તળી લેવા. એ તળાઈ જાય એટલે તેને એક વાટકામાં કાઢી લેવા. પછી તેમાં દાળિયા નાખીને તળી લેવા. દાળિયા પણ તળાઈ જાય એટલે એને પણ એક વાટકીમાં કાઢી લેવા. ત્યાર પછી એજ તેલમાં જીરું નાંખવું. જીરું તતડે એટલે તેમાં ચપટી હિંગ નાંખવી. હિંગ નાખી પછી કોબીને પાણીથી ધોઇને તેમાં નાંખવી અને બે ચમચી જેટલું પાણી નાખીને હલાવી ને ચડવા દેવી. ઉપર થાળી મૂકવી જેથી કોબી જલ્દી ચડી જાય.
બેથી ત્રણ મિનિટ માં કોબી ચડી જાય છે પછી તેના ઉપરથી થાળી લઈ લેવી અને તેમાંથી બધું પાણી બળી જવા દેવું એટલે એને હલાવતા રહેવું. પાણી બળી જાય એટલે તેમાં પલાળેલા સાબુદાણા અને પૌવા નાખવા. તળીને રાખેલા સીંગદાણા અને દાળિયા નાખવા. એમાં મીઠું નાખવું, વાટેલા આદુ મરચાની પેસ્ટ, સાકર, લીંબુનો રસ અને કોથમીર નાખી બધું જ બરાબર હલાવીને મિક્સ કરવું. આ કોબી ચેવડો નાસ્તામાં બનાવી શકાય છે. રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે. આ ચેવડો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/